એક પત્ર ચકીબેન ને !


આજે ૨૦ માર્ચ .. સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાતો દિન. આજે થયું કે લાવ એક પત્ર લખું .. હા ચકીબેન ને.

પ્રિય ચકલીબેન, 🐤
કેમ છો ? મઝામાં હશો ? આજે તમારો જ દિન છે ! કેમ ભુલાય .. આમ તો રોજ મળી  એ છીએ. મને સારી રીતે ખબર છે, સવારે હું નાહીને બહાર આવું છું ત્યારે તમે એ રૂમાલ ભરાવવાના તાર પર ઝૂલતા હોવ છો. ત્યારે મને હંમેશા એમ પણ લાગે કે, આમ સવારે આપણે Good Morning કહીએ એમ તમે મને શુભકામના પાઠવતા હોય એવું જ અને હા ! નવાઈ તો ત્યારે લાગે કે, જ્યારે હું રૂમાલ તાર પર સુકવું તો તમને સહેજ બી ડર નહીં અને આમ બિન્દાસ🐥 તાર પર બેઠા હોવ.. આખો તાર ડામાડોળ પણ તમે તો જાણે નાના બાળકને રમાડતા હોઈએ એટલે જરાક હવામાં ઉછળીએ અને જે સ્મિત🙂 આપે તમારુંય એવું જ પૂરો વિશ્વાસ .. હા, એટલે ક્યારેક તમે ઊડી પણ જાઓ છો.🍃 પણ ગમે છે ત્યારે તમને નિહાળવા.
તમારું રૂપ,દેખાવ, હાવ- ભાવ બધું જ ..
પક્ષીઓ તો ઘણા બધા છે,જે માનવ સમાજ ની આસપાસ રહે છે પણ એમાં તમે ઘણા અલગ છો .. મતલબ તમે એક દમ પારદર્શક છો. જેવા દેખાવ છો,એવા જ તમારા ગુણ. કોઇના વિશે ખરાબ કે મન દુભાય એવું કંઈ કેવું નથી પણ એક વાર બનેલી ઘટના કહુ તો, મારે એક વાર રસ્તા પરથી નીકળવું ને ત્યાં જ ઉપર કબૂતર ભાઈ બેઠેલા અને એમણે મારા કપડાં ગંદા કર્યા(હા .. એજ સમજી જાઓ બધું ના કહેવાં નું હોય ) ઉપર જોયું તો બારી ના છજ્જા  પર બેઠેલા. જાણે ઉપરથી મને જોઈ હસતા હોય એમ એ વખતે ફિલ તો એવું જ થાય.. જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં જેમ સિનિયર રેગીગ કરતા હોય એ વખતે આપણે કંઈ કરી પણ ના શકીએ અને કરીએ તો ઠેકાણું પડે તો પડે .. આ. ય એવું જ પણ તમે એકદમ સહજ છો, એકદમ નાનચકડા અને પાછા ચપળ તો ખરા જ..
તમારા રૂપની વાત કરીએ કથ્થઈ રંગનુ શરીર , એ રંગ ક્યાંક ઘેરો તો ક્યાંક આછો.. અને એમાં થોડો માટી માં ખુંદયેલો હોય એવો સરસ સફેદ રંગનું પરફેક્ટ કોન્ટ્રાસ્ટ .. એમાંય મોઢા પર બે નાના કાળા મણી અને સરસ મઝાની ચાંચ, શરીર પર ઝીણી રૂંવાટી અને નાની પાંખ .. મઝા પડી જાય આપના રૂપ ને માણવાની ..
ત્રણેક વર્ષ પહેલાં થોડા ખોવાઈ ગયાતા તમે!
ત્યારે અચાનક જ લોકોને લાગ્યું આનું કારણ મોબાઈલ ટાવર ના રેડિએશન📡 પણ હવે લોકો માં જાગૃતિ આવી છે ,લોકો તમારા માટે માળા🏛 પણ બાંધતા થયા છે. મને લાગે છે કે રેડિએશન થી નુકશાન થતું હસે પણ મુખ્ય કારણ વૃક્ષ🌳 વિનાશ, મકાનની જમાના પ્રમાણે બદલાઈ રહેલી ડીઝાઇન,ખોરાક - પાણી - ઘર ની વ્યવસ્થા આ બધું જ હશે .. પણ હવે તમે સદાબહાર જોવા મળો છો. બાળપણમાં👶🏻 મામાને ત્યાં ગામડે જવાનું થાય ત્યારે અરીસા માં રહેલા તમારા પ્રતિબિંબ સાથે લડતા બહુ જોયા છે , આનંદ થતો ત્યારે..
તમારાય માનવપ્રેમને આપણે કંઈ રીતે ભૂલી શકીએ. બધા પક્ષીના માળા ઝાડમાં🌲🌴 હોય પણ તમે તદન અલગ , માણસની એકદમ નજીક એની સાથે જ.

બસ આમ જ તમારો પ્રેમ અને હાજરી આપતાં રહેજો .. ગમશે અમને .. ગમશે મને .. 🥰 અમે પણ પૂરતા પ્રયત્નો કરશું.  ચકાભાઈને અને સૌ કુટુંબીજનો ને પ્રણામ ..

આપનો વ્હાલો,
ઓજસ બામરોલીયા


Comments

Popular posts from this blog

સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳